નવી દિલ્હીઃ હવે ટીમ ઈન્ડિયા ઓગષ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જશે.  જ્યાં ત્રણ વન ડે, ત્રણ ટી20 અને ટેસ્ટ શ્રેણી રમશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે શુક્રવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. ટીમ જાહેર થવાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીનું ભવિષ્ય પણ નક્કી થશે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં વન ડે અને ટી20માં રોહિત શર્મા કેપ્ટનશિપ કરી શકે છે. આ ઉપરાંત શુભમન ગિલ, શ્રેયસ ઐયર જેવા ખેલાડીને સ્થાન મળી શકે છે. જોકે શિખર ધવન ઈજામાંથી સંપૂર્ણ મુક્ત થયો છે કે નહીં તે અંગે કોઈ અપડેટ આવ્યું નથી. જેથી તેના સ્થાને પૃથ્વી શૉ, મયંક અગ્રવાલને પણ તક આપવામાં આવી શકે છે.

ફાસ્ટ બોલિંગમાં નવદીપ સૈની, ખલીલ અહમદને પણ તક મળી શકે છે. જયારે સ્પિન ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલનો પણ સમાવેશ કરવામાં આવી છે. વિકેટકિપર તરીકે રિષભ પંત અને દિનેશ કાર્તિક પણ સ્થાન મેળવી શકે છે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમેલા લોકેશ રાહુલ, કેદાર જાધવ ટીમમાં સ્થાન જાળવી રાખશે.