ટૉપ 5 બેટ્સમેનોએ બનાવ્યો ફિફ્ટી પ્લસ સ્કોર
વોર્નરે 77 બોલમાં 83 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 7 ફોર અને 3 સિક્સ નોંધાવી હતી. ફિંચે 69 બોલ 6 ફોર અને 1 સિક્સ સાથે 60 રન બનાવ્યા હતા. સ્ટિવ સ્મિથે આ સીરિઝમાં સતત બીજી વખત સદી નોંધાવી હતી. સ્મિથે 64 બોલ પર 104 રન બનાવ્યા હતા. જ્યારે માર્નસ લાબુશેન પણ અડધી સદી બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે 61 બોલમાં 70 રનોની ઈનિંગ રમી હતી. તેના બાદ ગ્લેન મેક્સવેલ 29 બોલ પર ચાર ફોર અને ચાર સિક્સની મદદથી 63 રન બનાવી અણનમ રહ્યો હતો.
વનડે ક્રિકેટમાં માત્ર એવું બીજી વખત ટીમ ઈન્ડિયા સાથે થયું છે જ્યારે તેની સામે ટોપ-5 ખેલાડીઓએ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો હોય. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2013માં ભારત પ્રવાસ દરમિયાન જયપુર વનડેમાં ચાર વિકેટ ગુમાવી 359 રન બનાવ્યા હતા. તે સમયે ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ (50), ફિલિપ હ્યુજ (83), શેન વોટસન (59), જોર્જ બેલી (92) અને ગ્લેન મેક્સવેલે 53 રન બનાવ્યા હતા.
સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ સતત પાંચમી વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. સ્મિથે ભારત વિરુદ્ધ છેલ્લી પાંચ ઈનિંગમાં 69 રન, 98 રન, 131 રન, 105 રન અને 104 રન બનાવ્યા છે. આ કારનામું કરનાર સ્મિથ ન્યૂઝીલેન્ડ કેન વિલિયમસન બાદ બીજો બેટ્સમેન છે. ભારત વિરદ્ધ સતત બીજી વનડે મેચમાં સ્મિથે 62 બોલ પર સદી નોંધાવી હતી. બીજી વનડેમાં 64 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન 14 ફોર અને 2 સિક્સ નોંધાવી હતી.