અમદાવાદઃ કોરોના કાળમાં મોટા ભાગના ધનિકોની સંપત્તિ ઘટી છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી તેમાં અપવાદરૂપ સાબિત થયા છે. અદાણીએ ચાલુ વર્ષે દરરોજની કમાણીની રીતે દેશની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર જાન્યુઆરીથી 28 નવેમ્બર સુધી અદાણીની નેટવર્થ 1.52 લાખ કરોડ રૂપિયા વધીને 2.35 લાખ કરોડ રૂપિયા થઈ છે. આમ અદાણીએ આ વર્ષમાં અત્યાર સુધી દરરોજ 458 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

2020માં અદાણીની નેટવર્થમાં અત્યાર સુધી 183%નો વધારો થયો છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 552% સુધી ઉછળ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી દુનિયાની 41મી અને ભારતની બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ છે. દેશની સૌથી ધનિક વ્યક્તિમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી 5.44 લાખ કરોડ રૂપિયા સાથે પહેલા નંબરે છે. 2020માં અંબાણીની નેટવર્થ 1.10 લાખ કરોડ રૂપિયા વધી છે. દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ ની સંપત્તિ 13.82 લાખ કરોડ રૂપિયા છે.

ભારતીય શેરબજારોમાં અદાણી ગ્રૂપની કુલ છ કંપનીઓ લિસ્ટેડ છે. સૌથી પહેલા અદાણી એન્ટરપ્રાઈઝનું લિસ્ટિંગ 1994માં થયું હતું. બાદમાં અન્ય કંપનીઓને અલગ કરીને અદાણી એન્ટરપ્રાઈઝથી અલગ અનેક કંપનીઓનું શેરબજારમાં લિસ્ટિંગ થયું. ગ્રૂપની છ કંપનીઓમાંથી અદાણી ગ્રીન એનર્જીનું માર્કેટકેપ સૌથી વધુ 1.75 લાખ કરોડ રૂપિયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી કંપનીના શેરોએ રોકાણકારોને 552% રિટર્ન આપ્યું છે. બીએસઈમાં 28 નવેમ્બરના ડેટા અનુસાર અદાણી ગ્રૂપની કુલ કંપનીઓનું કુલ માર્કેટકેપ 3.97 લાખ કરોડ રૂપિયા રહ્યું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટકેપ 174.14 લાખ કરોડ રૂપિયા રહ્યું.