બેંગલુરુઃ સીરિઝની બીજી અને અંતિમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટે હાર આપીને 2-0થી સીરિઝ જીતી લીધી હતી. કાંગારુ ટીમે ભારતને વિશાખાપટ્ટનમમાં રમાયેલી સીરિઝની પ્રથમ ટી-20 મેચમાં ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી હતી પરંતુ તેમાં ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો.
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ છેલ્લે પોતાની જ ધરતી પર ટી-20 સીરિઝ ચાર વર્ષ અગાઉ ગુમાવી હતી. 2015માં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ત્રણ મેચની ટી-20 સીરિઝમાં 2-0થી હાર આપી હતી. તે સિવાય ઓસ્ટ્રેલિયાએ 11 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાને કોઇ દ્ધિપક્ષીય ટી-20 સીરિઝમાં હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા ટીમ ઇન્ડિયાને 2008માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એક મેચની ટી-20 સીરિઝમાં 1-0થી હાર આપી હતી. બંન્ને દેશો વચ્ચે રમાયેલી આઠ દ્ધિપક્ષીય ટી-20 સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ બીજી વખત ટી-20 સીરિઝ જીતી છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ ત્રણ ટી-20 સીરિઝ જીતી હતી અને બે સીરિઝ ડ્રો રહી હતી.