Ind vs Aus: ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં કોરોના વાયરસના વધતા કેસની અસર એસસીજીમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ પર પડી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મેચોની સીરિઝની અંતિમ બે ટેસ્ટના સ્થળોમાં ફેરફાર કરવા પર વિચાર કરી શકી છે. જો કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી કાર્યક્રમ અનુસાર જ સીરિઝનું આયોજન કરવાની વાત કહી છે.


સિડનીમાં સાત જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. જ્યારે અંતિમ મેચ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાવાની છે. સિડની મોર્નિંગ હેરલ્ડના રિપોર્ટ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પ્રાથમિકતા 7 થી 11 જાન્યુઆરી વચ્ચે સિડનીમાં મેચ આયોજીત કરવાની છે પરંતુ સિડની અને બ્રિસ્બેન વચ્ચે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં ફેરફાર પણ એક વિકલ્પ છે.

જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ વિકલ્પને અપનાવે છે તો સીરિઝની અંતિમ મેચ સિડનીમાં રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર્થમાં પણ ત્રીજી ટેસ્ટનું આયોજન કરવા પર વિચાર કરી શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું કહેવું છે કે, તમામ સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે મેલબર્નમાં બે ટેસ્ટ મેચોનું આયોજન કરવાનો વિકલ્પ પણ છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા 8 વિકેટથી ટીમ ઈન્ડિયાને હરાવી સીરિઝમાં 1-0થી જીત મેળવી લીધી છે. 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાવાની છે.