રોહિતની 200મી વન ડે, 46 રન બનાવતાં જ બની જશે આ રેકોર્ડ
આવતીકાલની મેચમાં રોહિત શર્મા જો 46 રન બનાવશે તો તે સૌરવ ગાંગુલીના 8000 વન ડેમાં 8000 રનની બરોબરી કરી લેશે. ગાંગુલીએ આ સિદ્ધી 200મી વન ડેમાં મેળવી હતી અને સૌથી ઝડપી આ સિદ્ધી મેળવનારો વિશ્વનો ત્રીજો ક્રિકેટર હતો. સંજોગવશાત આવતીકાલની વન ડે રોહિતની 200મી વન ડે મેચ છે. વિરાટ કોહલીએ 175 ઇનિંગમાં આ સિદ્ધી હાંસલ કરી હતી અને તે નંબર વન પર છે, જ્યારે બીજા નંબર પર રહેલા સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 182 ઈનિંગમાં 8000 વન ડે રન પૂરા કર્યા હતા.
ભારતનો નવમો ક્રિકેટર બની જશે
જો રોહિત શર્મા 46 રન બનાવી દેશે તો 8000 રન બનાવનારો ભારતનો નવમો ક્રિકેટર બની જશે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમએસ ધોની, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, સૌરવ ગાંગુલી અને મોહમ્મદ અઝહરુદ્દીન આ સિદ્ધી મેળવી ચુક્યા છે.
રોહિત-ધવન પાસે પણ છે તક
અંતિમ વન ડેમાં રોહિત શર્મા અને ધવનની જોડી 62 રનની પાર્ટનરશિપ કરશે તો ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં 1000 રનની પાર્ટનરશિપ કરનારી પ્રથમ ભારતીય ઓપનિંગ જોડી બની જશે. વેસ્ટ ઈન્ડિઝની ગોર્ડન ગ્રીનીઝ અને ડેસમન્ડ હેન્સની જોડી ઓસ્ટ્રેલિયા સામે 1000 વન ડે રન ફટકારનાર એક માત્ર જોડી છે. સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડી ઓસ્ટ્રેલિયા સામે 827 રન બનાવીને ત્રીજા નંબર પર છે.