નવી દિલ્હીઃ ભારત અને  બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રનથી વિજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઈનિંગમાં શમીએ 31 રનમાં 4, અશ્વિને 42 રનમાં 3 વિકેટ ઝડપી હતી.  બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં મુશફિકર રહીમે 43 અને કેપ્ટન મોમીનુલ હકે 37 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન જાડેજા એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.


આ અગાઉ ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ 493 રનના સ્કોર પર ડિક્લેર કરી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાને 343 રનની લીડ મળી હતી. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મયંક અગ્રવાલે 243 રનની શાનદાર ઈનિંગ રમી હતી.  રહાણેએ 86 અને પૂજારાએ 54 રન બનાવ્યા હતા. જાડેજા 60 રને અણનમ રહ્યો હતો.

બાંગ્લાદેશ પ્રથમ ઈનિંગમાં 150 રનમાં ઓલઆઉટ થયું હતું. શમીએ પ્રથમ ઈનિંગમાં 3, અશ્વિન, ઉમેશ યાદવ અને ઈશાંત શર્માને 2-2 સફળતા મળી હતી.