રાજકોટમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી T20, જાણો કેવું રહેશે હવામાન
abpasmita.in | 07 Nov 2019 07:39 AM (IST)
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી-20 રમાશે. ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારત 1-0થી પાછળ છે.
રાજકોટઃ રંગીલા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી-20 રમાશે. ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારત 1-0થી પાછળ છે. ભારતે શ્રેણીમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી ફરજિયાત છે. સાંજે 7 વાગ્યાથી મેચ શરૂ થશે. મેચ માટે 5 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. બોર્ડના નિયમ મુજબ એક પણ દડો નહીં ફેંકાય તો ટિકિટ ખરીદનારાઓને ટિકિટના રૂપિયા પાછા મળશે. આ મેચ નિહાળવા BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ હાજર રહેશે. મહા વાવાઝોડાના કારણે રાજકોટમાં પડેલા વરસાદના કારણે બુધવારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદનું પાણી ભરાયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પિચને ઢાંકી દેવામાં આવી હતી અને તે બાદ ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. મેચ દરમિયાન આકાશમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. મેચ પહેલા મેદાનને પૂરી રીતે કવર રાખવામાં આવશે. જોકે, રાજકોટનું આ મેદાન હાઈ સ્કોરિંગ માટે ઓળખવામાં આવે છે. પરંતુ, ભારે વરસાદના કારણે મેદાન ધીમુ થઈ શકે છે. જે બાઉન્ડ્રીને મુશ્કેલ બનાવી શકે છે. હાલમાં મહાનો ખતરો ખતરો થોડો નબળો થયો છે. જોકે, 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે.