નાગપુરઃ ભારત અને બાંગ્લાદેશ ત્રણ T-20 સીરિઝની નિર્ણાયક મેચ રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ રાજકોટની હારને ભૂલીને સીરિઝ જીતી ઈતિહાસ રચવા માંગશે.


નાગપુરના ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી અને આખરી તેમજ નિર્ણાયક ટી-૨૦માં સ્પિનરોની ભૂમિકા નિર્ણાયક બનશે. અંહી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે તેવી શક્યતા ઓછી લાગે છે. જે ટીમના સ્પિનરો ચાલશે તે વિજેતા બનશે. વીસીએ સ્ટેડિયમમાં અત્યાર સુધી 11 ટી-20 મેચ રમાઇ છે. જેમાં પ્રથ બેટિંગ કરનારી ટીમ 8 વખત જીતી છે.

નાગપુરમાં 2017માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 144 રન ડિફેન્ડ કરતા ભારત 5 રને મેચ જીત્યું હતું. તેની પહેલા 2016માં વર્લ્ડ T-20માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 126 રન કરતાં ટીમ 79 રનમાં ઓલઆઉટ થઇ હતી. જયારે 2009માં ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ T-20માં શ્રીલંકા વિરુદ્ધ 216 રન ચેઝ કરતાં ટીમ 186 રન જ કરી શકી હતી. આમ ટીમે ત્રણમાંથી બે T-20 ગુમાવી છે.

રાજકોટમાં રોહિતે ટીમને એકલા હાથે મેચ જીતાડી હતી. જોકે તેના અને શ્રેયસ ઐયર સિવાય અન્ય કોઈ બેટ્સમેને પ્રભાવિત કર્યા નથી. શિખર ધવન અને ઋષભ પંતનું ફોર્મ ચિંતાનો વિષય છે. લોકેશ રાહુલ મોટો સ્કોર કરી શક્યો નથી, શિવમ દુબે દિલ્હીમાં ફ્લોપ રહ્યો હતો. રવિવારે ભારતીય બેટિંગ લાઈનઅપ પાસે નાગપુરની ફ્લેટ વિકેટ પર એક ગ્રુપ તરીકે ફોર્મમાં પરત ફરીને સીરિઝ જીતવાની તક છે. ખલીલ અહેમદ સીરિઝની બંને મેચમાં ભારતીય બોલિંગ લાઈનઅપની સૌથી કમજોર કડી રહ્યો છે અને આજે તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. શ્રેણીમાં મનીષ પાંડે, સંજુ સેમસન અને રાહુલ ચહરને પણ હજી સુધી ચાન્સ મળ્યો નથી.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ક્રુનાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે , શાર્દુલ ઠાકુર.