નાગપુરઃ ભારત અને બાંગ્લાદેશ ત્રણ T-20 સીરિઝની નિર્ણાયક મેચ રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે. રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ રાજકોટની હારને ભૂલીને સીરિઝ જીતી ઈતિહાસ રચવા માંગશે. પ્રથમ બે ટી 20 દરમિયાન વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત સમાચારમાં છવાયેલો રહ્યો અને તેની ઘણી આલોચના પણ થઈ. સીરિઝમાં ટીમની કેપ્ટનશિપ કરી રહેલા રોહિત શર્માએ પંતનો ખુલીને બચાવ કર્યો છે.


રોહિત શર્માએ ત્રીજી ટી 20 પહેલા કહ્યું, તમે જાણો છો કે પંતને લઈ ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. મને લાગે છે કે તે જે ઈચ્છે છે તેમ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. હું તમામને વિનંતી કરું છું કે તેઓ પંત પરથી થોડા દિવસો માટે ધ્યાન હટાવી લે. તે નિડર ખેલાડી છે અને અમે તેને સંવતંત્રતા આપવા માંગીએ છીએ. જો થોડા દિવસો માટે તેના પરથી ધ્યાન હટાવી લેવાશે તો તેને સારો દેખાવ કરવાની સ્વતંત્રતા મળશે.

કેપ્ટન રોહિતે કહ્યું, પંત યુવા છે અને તેને વધુ મોકા મળવા જોઈએ.તે 22 વર્ષનો યુવા છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામ કમાવવા ઈચ્છે છે. તે મેદાન પર જે કરે છે લોકો તે અંગે વાત કરવાનું શરૂ કરી દે છે. જે યોગ્ય નથી. તે હાલ શીખી રહ્યો છે. તેણે ઘણી વખત સારું કામ કર્યું છે.