IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલા ખેલાડીઓમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પૉઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય સભ્યો અને સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જોકે, કેટલાકને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. ઋષભ પંત પૉઝિટીવ થતા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી છે, કેમકે ટીમ ઇન્ડિયા પાસે વધારાનો વિકેટકીપર નથી. હવે રિપ્લેસમેન્ટ અંગે બીસીસીઆઇએ મોટુ નિવેદન આપ્યુ છે.
ટીમ ઇન્ડિયાના મુખ્ય વિકેટકીપર ઋષભ પંત 8મી જુલાઇએ કોરોના પૉઝિટીવ આવ્યો હતો. પંત ઉપરાંત ટીમ ઇન્ડિયાના સ્ટાફ મેમ્બર દયાનંદ ગિરાની પણ કોરોના પૉઝિટીવ છે. રિદ્ધિમાન સાહા ગિરાનીની બહુજ ક્લૉઝ કૉન્ટેક્ટમાં હોવાના કારણે સાહાને પણ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. આમ થવા છતાં બીસીસીઆઇએ રિપ્લેસમેન્ટ આપવાની ના પાડી દીધી છે.
બીસીસીઆઇનુ માનવુ છે કે ઋષભ પંતનો આઇસૉલેશન પીરિયડ પુરો થવાનો છે. જોકે પંતમાં કોઇ ગંભીર લક્ષણો નથી એટલે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવાની જરૂર નથી. બીસીસીઆઇએ કહ્યું - અમે અત્યારે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવા પર વિચાર નથી કરી રહ્યાં. કોરોનાને ધ્યાનમાં રાખીને પહેલાથી જ ઇંગ્લેન્ડ પ્રવાસમાં 20 સભ્યોની મોટી ટીમ મોકલવામાં આવી છે. આ ઉપરાંત પાંચ રિઝર્વ ખેલાડીઓ પણ ટીમની સાથે ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે કૉવિડ-19 પ્રૉટોકોલના કારણે કોઇપણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવો આસાન નથી. ઇંગ્લેન્ડ સરકારે ભારતને રેડ કેટેગરીમાં મુક્યુ છે એટલે કોઇપણ ભારતીયને ઇંગ્લેન્ડમાં એકદમ સખત ક્વૉરન્ટાઇનમાંથી પસાર થવુ પડે છે.
બીસીસીઆઇને આશા છે કે 18 જુલાઇએ થનારા કૉવિડ ટેસ્ટમાં ઋષભ પંતનો રિપોર્ટ નેગેટિવ આવી જશે. જોકે ઋષભ પંત 20 જુલાઇથી શરૂ થનારી પ્રેક્ટિસ મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. સાહાનો આઇસૉલેશન પીરિયડ પણ 20 જુલાઇએ પુરો નહીં થાય. સાહા પ્રેક્ટિસ મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. આવામાં કેએલ રાહુલ પ્રેક્ટિસ મેચમાં વિકેટકીપરની ભૂમિકા નિભાવતો દેખાશે.