IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયાને તગડો ઝટકો લાગી શકે છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ઇજાગ્રસ્ત થઇ ગયા છે. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની ઇજા પર વધુ ઝડપથી નિર્ણય આવી શકે છે. 


ટીમ ઇન્ડિયા તરફથી બન્ને ખેલાડીઓની ફિટનેસ અપડેટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. બેટિંગ કૉચ વિક્રમ રાઠૌરે કહ્યું કે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની ઇજા પર સ્થિતિ સોમવારે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ શકે છે. 


વિક્રમ રાઠૌરે બન્ને ખેલાડીઓના સ્કેન વિશે પણ જાણકારી આપી. બેટિંગ કૉચે કહ્યું- રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા બન્નેને સ્કેન માટે મોકલવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે બેટિંગ કર્યા બાદા રોહિત અને પુજારા બન્ને તકલીફમાં દેખાયા હતા. સોમવાર સાંજ સુધી બન્ને ખેલાડીઓના સ્કેન રિપોર્ટ સામે આવી જશે. 


બન્ને ખેલાડીઓ ફિલ્ડિંગ દરમિયાન ના ઉતર્યા મેદાનમાં -
રોહિત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ રહેલી ઓવલ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં 127 રનની ઇનિંગ રમી છે. ત્રીજા દિવસની રમત બાદ રોહિત શર્માની કેટલીક તસવીરો સામે આવી જેમાં પગમાં બૉલ વાગવાના નિશાન દેખાયા હતા.  


ચેતેશ્વર પુજારા બીજી ઇનિંગામાં રન લેતી વખતે થોડો ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આ કારણે થોડીક વાર માટે મેચને રોકવી પડી હતી. પરંતુ ફિજીયો પાસે ટ્રીટમેન્ટ લીધા બાદ પુજારાએ બેટિંગ કરવાની ચાલુ રાખી હતી. જોકે, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ચોથા દિવસ ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં ન હતા ઉતર્યા, અને પાંચમાં દિવસે પણ મેદાનમાં ઉતરવાની આશા નહીવત જ છે. 


મેચની વાત કરીએ તો ભારતે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં જીત માટે 368 રનોનુ લક્ષ્ય આપ્યુ છે. આના જવાબમાં ઇંગ્લેન્ડે વિના કોઇ વિકેટ ગુમાવે 77 રન બનાવી લીધા છે.