નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે અંતિમ અને ત્રીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરિઝમાં ભારતનો વ્હાઇટ વોશ કર્યો હતો. 31 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ વખતે ત્રણ કે તેથી વધુ મેચની દ્વીપક્ષીય સીરિઝમાં ક્લીન સ્વીપ થયો છે. આ પહેલા 1989માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો 0-5થી વ્હાઇટ વોશ થયો હતો.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 296 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે 112 રન, શ્રેયસ ઐયરે 62 રન, મનીષ પાંડેએ 42 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેને 47.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 300 રન બનાવી ત્રીજી વન ડે 5 વિકેટથી જીતી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નિકોલ્સે 80, માર્ટિન ગપ્ટિલે 66 રન બનાવ્યા હતા.  કોલીન ડી ગ્રાન્ડહોમ 58 રને નોટઆઉટ રહ્યો હતો. પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડે તેના વન ડે ઈતિહાસનો સર્વોચ્ચ રનચેઝ કરી ભારતને હરાવ્યું હતું, જ્યારે બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાનો 22 રનથી પરાજય થયો હતો.

ભારતનો 3 કે તેથી વધુ મેચની વન ડે સીરિઝમાં કયારે-ક્યારે વ્હાઇટવોશ થયો

0-5 vs WI 1983/84

0-5 vs WI 1988/89

0-3 vs NZ 2019/20

0-4 vs SA 2006/07 (પાંચ મેચની વન ડે શ્રેણી પૈકી એક મેચ રદ થઈ હતી.)

વન ડે સીરિઝમાં ભારતના વ્હાઇટ વોશના કારણો

નબળી બોલિંગઃ સીરિઝ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ શાનદાર દેખાવ કર્યો હતો. પરંતુ ફાસ્ટ બોલર્સ ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. જસપ્રીત બુમરાહ વન ડે સીરિઝ દરમિયાન વિકેટ માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જ્યારે તેના સાથીદારો શમી, નવદીપ સૈનિ અને શાર્દુલ ઠાકુર સીરિઝમાં ખાસ દેખાવ કરી શક્યા નહોતા. આ પૈકી કોઇપણ બોલર્સ અણીના સમયે વિકેટ લઈ શક્યા નહોતા. જે ભારતના વ્હાઇટવોશનું મુખ્ય કારણ બન્યું હતું.

ફિલ્ડર્સે છોડ્યા કેચઃ બોલિંગની જેમ સીરિઝમાં પણ ભારતીય ફિલ્ડર્સે હાથમાં આવેલા કેચ છોડ્યા હતા. પ્રથમ વન ડેમાં રોસ ટેલરનો કેચ ભારતને છોડવો ભારે પડયો હતો. જેના કારણે એકલા હાથે તે મેચ જીતાડી ગયો હતો અને ન્યૂઝીલેન્ડે તેના વન ડે ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર ચેઝ કર્યો હતો. બીજી વન ડેમાં પણ ભારતે તેને જીવતદાન આપ્યું હતું, જે હારનું કારણ બન્યું હતું.

નવી ઓપનિંગ જોડી નિષ્ફળઃ ભારતે આ વન ડે સીરિઝમાં પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની નવી ઓપનિંગ જોડી અજમાવી હતી. પ્રથમ વન ડેમાં તેમણે 50 રનની પાર્ટનરશિપ કરી હતી. જે પછીની બંને વન ડેમાં મોટી પાર્ટનરશિપ કરી શક્યા નહોતા. મયંક અગ્રવાલનો દેખાવ કંગાળ રહ્યો હતો. જ્યારે પૃથ્વી શૉએ સેટ થઈ ગયા બાદ વિકેટ ફેંકી દીધી હતી. આ ઉપરાંત કેપ્ટન કોહલી પણ સીરિઝમાં બેટિંગથી સારો દેખાવ કરી શક્યો નહોતો. તેણે પ્રથમ વન ડેમાં ફિફ્ટી મારી હતી, જ્યારે બાકીની બંને વન ડેમાં સેટ થયા બાદ આઉટ થઈ ગયો હતો.