મોહાલીઃ આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ મોહાલીમાં રમાઈ રહી હતી. 150 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી હતી. કોહલી 72 અને શ્રેયસ 16 રને અણનમ રહ્યા હતા. ધવને 40 રન બનાવ્યા હતા. જીત સાથે  ટીમ ઈન્ડિયા 3 મેચની સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે.


મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ 20 ઓવરના અંતે 5 વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન ડી કોકે સર્વાધિક 52 રન બનાવ્યા હતા. ડેબ્યૂ મેન બાવુમાએ 49 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપક ચહરને 2, જાડેજા, હાર્દિક પંડ્યા અને નવદીપ સૈનીને 1-1 સફળતા મળી હતી.

સાઉથ આફ્રિકાને 3.5 ઓવર પર પ્રથમ ફટકો લાગ્યો હતો. હેન્ડ્રિક્સ  6 રન બનાવી ચહરની ઓવરમાં વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ થયો હતો.  11.2 ઓવર પર ક્વિન્ટન ડી કોક 52 રન બનાવી સૈનીનો શિકાર બન્યો હતો. જાડેજાએ વાન ડેર ડુસેનને 1 રને આઉટ કરાવી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. બાવુમા  49 રન બનાવી ચહરની ઓવરમાં ચોથી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. ડેવિડ મિલરને 18 રને બોલ્ડ કરી હાર્દિક પંડ્યાએ ભારતને પાંચમી સફળતા અપાવી હતી.




ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, નવદીપ સૈની


મેચમાં સાઉથ આફ્રિકાના ત્રણ ક્રિકેટરોએ T20 ડેબ્યૂ કર્યું છે. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરિઝની પહેલી ટી20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી.