કેબિનેટે લીધા બે મોટા ફેંસલાઃ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગરેટ પર બેન
abpasmita.in | 18 Sep 2019 03:52 PM (IST)
કેન્દ્રની મોદી સરકારે કેબિનેટની બેઠકમાં બે મોટા ફેંસલા લીધા હતા. સરકારે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો ફેંસલો લીધો છે. આ ઉપરાંત ઈ સિગરેટ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે કેબિનેટની બેઠકમાં બે મોટા ફેંસલા લીધા હતા. સરકારે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો ફેંસલો લીધો છે. આ ઉપરાંત ઈ સિગરેટ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી મીટિંગમાં આ બે નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓને દિવાળી બોનસની જાહેરાત કરી હતી. બુધવારે મળેલી બેઠકમાં રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતન જેટલું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી, તેનાથી 11 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો મળશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષે રેલવે કર્મચારીઓને બોનસ આપવામાં આવી રહ્યું છે. બોનસ આપવાથી સરકારી તીજોરી પર 2024 કરોડ રૂપિયાનો બોજ પડશે. પ્રેસ કોન્ફરન્સમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું, સરકારે ઈ સિગરેટ પર બેન મૂકી દીધો છે. ઈ સિગરેટના ઉપયોગ, ઉત્પાદન, વેચાણ પર બેન મુકી દેવામાં આવ્યો છે. સ્કૂલના બાળકોમાં તેનું ઝડપથી ચલણ વધી રહ્યું હતું. સૂચના મંત્રી જાવડેકરને જ્યારે પૂછવામાં આવ્યું સરકાર ઈ સિગરેટથી વધારે નુકસાનકારક સિગરેટ પર કેમ પ્રતિબંધ મૂકતી નથી? જેના જવાબમાં કહ્યું હજુ તેની લત નવી છે, તેથી સરકારે તેને શરૂઆતથી જ રોકવાનો ફેંસલો લીધો છે. સરકારે સ્પષ્ટતા કરી કે ઈ-હુક્કા પર પણ બેન લગાવ્યો છે. પ્રથમ વખત ગુના માટે આરોપીને 1 વર્ષની જેલ કે એક લાખ દંડ અથવા બંને થઈ શકે છે. જે બીજી વખત પકડાય તો 5 લાખ સુધીનો દંડ અને 3 વર્ષની કેદ થઈ શકે છે.