રાંચીઃ ભારત અને સાઉથ આફ્રિકા  વચ્ચે રમાઇ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પ્રવાસી ટીમે બીજી ઈનિંગમાં 8 વિકેટના નુકસાન પર 132   રન બનાવી લીધા છે. સાઉથ આફ્રિકાની પ્રથમ ઈનિંગ  162 રનમાં સમેટાઈ ગઈ હતી. જે બાદ ભારતે પ્રથમ ઈનિંગની જંગી લીડના આધારે પ્રવાસી ટીમને ફોલોઓન આપ્યું હતું.


સાઉથ આફ્રિકાએ તેની પ્રથમ ઈનિંગ 2 વિકેટના નુકસાન પર 9 રનથી આગળ ધપાવી હતી અને 162 રન  સુધીમાં બધા ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જ્યારે બીજી ઈનિંગમાં પણ ત્રીજા દિવસના અંતે 8 વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા છે. આમ સાઉથ આફ્રિકાએ એક દિવસમાં 16 વિકેટ ગુમાવી હતી.

2001-02માં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે એક દિવસમાં 15 વિકેટ ગુમાવી હતી. આ મેચમાં તેમનો ઈનિંગ અને 360 રનથી પરાજય થયો હતો. જ્યારે ભારત સામે પણ સાઉથ આફ્રિકાનો એક ઈનિંગથી પરાજય નિશ્ચિત છે.