ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ જસપ્રીત બુમરાહે પ્રથમ વખત તેની પ્રતિક્રિયા આપી હતી. બુમરાહે ટ્વિટ કરીને કહ્યું, ઈજા રમતનો એક ભાગ છે. ઈજામાંથી મુક્ત થવાની પ્રાર્થના કરનારા તમામ લોકોનો આભાર. હું ટીમમાં ઝડપથી પાછો ફરવાનો લક્ષ્યાંક રાખું છું. ઈજાના કારણે બુમરાહને બાંગ્લાદેશ સામેની શ્રેણી પણ ગુમાવવી પડી શકે છે.
બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર થતા તેને ભારતીય ધરતી ઉપર પ્રથમ ટેસ્ટ રમવા માટે રાહ જોવી પડશે. બુમરાહ અત્યાર સુધી 12 ટેસ્ટ રમ્યો છે. જેમાં 62 વિકેટ ઝડપી છે. છેલ્લી બે ટેસ્ટમાં તેણે 13 વિકેટ લીધી હતી, જેમાં એક હેટ્રિક પણ સામેલ છે. બુમરાહ બધી ટેસ્ટ વિદેશમાં રમ્યો છે.
ઉમેશ યાદવે 41 ટેસ્ટમાં 119 વિકેટ ઝડપી છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 88 રનમાં 6 વિકેટ છે. જ્યારે મેચમાં 133 રનમાં 10 વિકેટ છે. તેણે કરિયરમાં 5 વિકેટ બે વખત અને 10 વિકેટ એકવાર ઝડપી છે. ઉમેશ યાદવ છેલ્લી ટેસ્ટ 14-18 ડિસેમ્બર, 2018 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમ્યો હતો. આ સીરિઝમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો હતો. ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી.