નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે ત્રણ મેચની સીરીઝનો પ્રથમ ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં આજે રમાશે. આ મેચ પર વરરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે, આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડે તેવી આશંકા છે. એવામાં મેચ કેટલા દિવસ ચાલશે તે તો સમય જ કહેશે. મેચ વિશાખાપટ્ટનમના ડો. વાઈ.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

એક્યુવેધરના મતે પાંચેય દિવસ વરસાદની સંભાવના છે. જોકે મેચના પ્રથમ અને બીજા દિવસે થોડો તડકો રહેશે. જોકે આ પછી વાદળો છવાય તેવી સંભાવના છે. મેચના બીજા અને ત્રીજા દિવસે 50 અને 40 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે અંતિમ બે દિવસની રમત વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. મેચના સ્થળથી લગભગ 50 કિલોમીટર દૂર વિજયનગરમમાં દક્ષિણ આફ્રિકા અને બોર્ડ અધ્યક્ષ ઇલેવન વચ્ચે રમાયેલી ત્રણ દિવસીય વોર્મઅપ મેચ પણ પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.



ટેસ્ટની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમની નજર ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ શ્રેણી પર રહેશે. દક્ષિણ આફ્રિકા માટે ભારતીય ટીમને પડકાર આપવો આસાન રહેશે નહીં. હવે જોવું રસપ્રદ રહેશે કે બંને ટીમો આશા પ્રમાણે શ્રેણીની શરુઆત કરે છે કે પછી વરસાદ બંનેની આસા પર પાણી ફેરવી નાખે છે.

આ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીની પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. બીજી ટી-20માં ટીમ ઇન્ડિયા (Team India) એ જીત મેળવી હતી. જ્યારે ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકા(South Africa)એ જીત મેળવી શ્રેણી ડ્રો કરાવી લીધી હતી.