ઈન્દોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આજે બીજી ટી-20 રમાઈ હતી શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 143 રનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 17.7 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 144 રન બનાવી મેચ 7 વિકેટથી જીતી હતી. વિરાટ કોહલી 17 બોલમાં 30 રન અને રિષભ પંત 1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

ઓપનરોએ અપાવી શાનદાર શરૂઆત

143 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ભારતીય ટીમને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. લોકેશ રાહુલ (32 બોલમાં 45 રન) અને શિખર ધવન (29 બોલમાં 32 રન)ની જોડીએ 9.1 ઓવરમાં 71 રનની પાર્ટનરશિપ કરી હતી. શ્રેયસ ઐયરે 26 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી હરસંગાએ 2 અને લાહિરુ કુમારે 1 વિકેટ ઝડપી હતી.


મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 142 રન બનાવ્યા હતા.  શ્રીલંકા તરફથી કુશલ પરેરાએ સર્વાધિક 34 રન બનાવ્યા હતા.


અવિષ્કા ફર્નાન્ડોએ 22 અને ધનુષ્કા ગુણાથિલકાએ 20 રનનું યોગદાન આપ્યું હતું.  ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 23 રનમાં 3 વિકેટ, નવદીપ સૈનીએ 18 રનમાં 2 વિકેટ, કુલદીપ યાદવે 38 રનમાં 2 વિકેટ, બુમરાહે 32 રનમાં 2 અને વોશિંગ્ટન સુંદરે 29 રનમાં 1 વિકેટ ઝડપી હતી.


બીજી ટી-20 માટે ભારતીય ટીમઃ શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ


ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીમાં વરસાદ અને આસામ ક્રિકેટ એસોસિએશનની બેદરકારીના કારણે રદ કરી દેવામાં આવી હતી.