ઈન્દોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આજે બીજી ટી-20 રમાશે. મેચ સાંજે 7.00 કલાકથી શરૂ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીમાં વરસાદ અને આસામ ક્રિકેટ એસોસિએશનની બેદરકારીના કારણે રદ કરી દેવામાં આવી હતી. ઈન્દોરમાં રમાનારી બીજી ટી-20 પહેલા હવામાન સ્વચ્છ છે. ભારત પ્રથમ ટી-20માં જે પ્લેઇંગ ઇલેવન સાથે ઉતર્યુ હતું તેમાં કોઈ ફેરફાર કરે તેમ લાગતું નથી.

ઓપનિંગમાં શિખર ધવન અને લોકેશ રાહુલ આવશે. શિખર ધવનનું ઘણા લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન થયું છે. ત્રીજા ક્રમે કેપ્ટન વિરાટ કોહલી આવશે. ચોથા નંબરે શ્રેયસ ઐયર પણ નિશ્ચિત છે. પાંચમા ક્રમે વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને મોકો મળી શકે છે.

છઠ્ઠા નંબર પર ઓલરાઉન્ડર શિવમ દુબે, સાતમા ક્રમે શાર્દુલ ઠાકુર, આઠમા નંબર પર કુલદીપ યાદવ, નવમા નંબર પર વોશિંગ્ટન સુંદર, 10મા ક્રમ પર જસપ્રીત બુમરાહ અને 11માં ક્રમ પર નવદીપ સૈનીને ટીમમાં સ્થાન મળી શકે છે.

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં અત્યાર સુધી એક જ ટી-20 મેચ રમાઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અહીંયા 22 ડિસેમ્બર, 2017ના રોજ ટક્કર થઈ હતી. આ મેચમાં ભારતનો 88 રનથી વિજય થયો હતો, મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 260 રન સુધી પહોંચાડ્યો હતો. ઈન્દોરની વિકેટ પણ બેટ્સમેનો માટે મદદગાર માનવામાં આવે છે.