નવી દિલ્હીઃ વર્લ્ડકપના 44માં મેચમાં આજે ભારત અને શ્રીલંકા એકબીજા સામે ટકરાશે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં આજની મેચ જીતીને ટીમ ટોચના ક્રમે આવી શકે છે. આજની મેચમાં ફેન્સની નજર હિટમેન રોહિત શર્મા પર રહેશે. આજે રોહિત શર્મા મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.



એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે. 2015માં તેણે 4 સદી કરી હતી. રોહિત શર્મા પણ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 4 સદી ફટકારી ચૂક્યો છે. જો આજે તે વધુ એક સદી ફટકારે તો એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ રોહિતના નામે થઈ જશે. જો આજે ન ફટકારે તો પણ રોહિત પાસે સેમી ફાઈનલમાં પણ આ રેકોર્ડ તોડવાની તક રહેશે.



રોહિત શર્મા સચિનના રેકોર્ડની પણ બરાબરી કરી શકે છે. જો વર્લ્ડ કપમાં ઓવરઓલ સદીની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ હાલ સચિન તેંડુલકરના નામે છે. તેણે સૌથી વધુ 6 સદી કરી છે. રોહિત આ રેકોર્ડને તોડવાથી બસ બે ડગલાં દૂર છે. રોહિતે અત્યાર સુધી કુલ મળીને 5 સદી ફટકારી છે. સંગાકારના નામે પણ 5 સદી છે.