India in CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં શનિવાર ભારતીય દળ માટે સારો રહ્યો હતો. જ્યાં એક તરફ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ભારત માટે પહેલો ગોલ્ડ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. તો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ મલેશિયા સામે હારનો સામનો કરીને બહાર થઈ ગઈ હતી. દરમિયાન, ભારતીય મહિલા હોકી ટીમે વેલ્સને 3-1થી હરાવી બીજી જીત નોંધાવી હતી.
ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાના નેતૃત્વમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે ગ્રુપ મેચમાં સરળ જીત મેળવી હતી. બીજી તરફ, શનિવારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં મલેશિયાના ખેલાડીઓના આકરા પડકાર વચ્ચે ભારતને છેલ્લી આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ કોમનવેલ્થ ગેમ્સ 2022ની સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.
ભારતીય મહિલા હોકી ટીમે વેલ્સને 3-1થી હરાવ્યું
હાલમાં જ્યારે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ 22મી કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે તો બીજી તરફ ભારતીય મહિલા હોકી ટીમે ગ્રુપ મેચમાં જીત મેળવી છે. ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે વેલ્સની મહિલા હોકી ટીમને 3-1થી હરાવી સતત બીજી જીત નોંધાવી હતી.
આ પહેલા શુક્રવારે ભારતીય મહિલા હોકી ટીમે શુક્રવારે ઘાનાની ટીમને 5-0થી હરાવીને જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. વેલ્સ સામે રમાયેલી મેચ પહેલા જ નવજોત કૌર કોરોના સંક્રમિત થઇ હતી. જેના કારણે ભારતીય ટીમને ઘણું નુકસાન થયું છે.
2 ઓગસ્ટે ઈંગ્લેન્ડ સામે ટકરાશે
શનિવારે વેલ્સ સામે રમતી વખતે સવિતા પુનિયાની કેપ્ટનશીપ હેઠળની ભારતીય મહિલા હોકી ટીમની વંદના કટારિયાએ 26મી અને 48મી મિનિટમાં બે ગોલ કર્યા હતા. બીજી તરફ, ગુરજીત કૌરે 28મી મિનિટે ગોલ કરીને ટીમને વધુ લીડ અપાવી હતી. વેલ્સ તરફથી 45મી મિનિટે જેન્ના હ્યુજીસે ગોલ કરીને હારના માર્જિનને ઘટાડવામાં મદદ કરી હતી. હવે ભારતીય ટીમ 2 ઓગસ્ટે ઈંગ્લેન્ડ સામે ટકરાશે.