તિરુવનંતપુરમ: વેસ્ટ ઇન્ડિઝે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતને 8 વિકેટથી હાર આપી છે. 171 રનના લક્ષ્યાંકની પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે 18.3 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના ઓપનર સિમન્સે શાનદાર ઈનિંગ રમતા 45 બોલમાં નોટ આઉટ 67 રન બનાવ્યા હતા.


ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટી20 સીરિઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.  ભારતે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે વિન્ડીઝ સામે 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 170 રન બનાવ્યા હતા.


ભારત તરફથી શિવમ દુબેએ આક્રમક રમત રમતા 30 બોલમાં 54 રન ફટકાર્યા હતા. આ સિવાય પંતે નોટ આઉટ 33 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ, રોહિત શર્મા મોટો સ્કોર બનાવામાં નિષ્ફળ રહ્યા હતા. કોહલી પણ 19 રન બનાવી આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી હેડન વોલ્શ અને કે વિલિયમ્સે 2-2 વિકેટ ઝડપી હતી.

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.


પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે વિન્ડિઝને હરાવ્યું હતું. નવેમ્બર 2018થી અત્યાર સુધી ભારતે વિન્ડિઝ સામે સાત મેચ રમી છે અને આ તમામ મેચોમાં જીત મેળવી છે.


પ્રથમ ટી20 માં વિરાટ કોહલી અને લોકેશ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા ટીમને જીત અપાવી હતી. વિરાટે ટી20 કેરિયરમાં સર્વશ્રેષ્ઠ 94 રનની અણનમ ઇનિંગ રમ્યો હતો. જ્યારે રાહુલે 62 રન બનાવ્યા હતા.