નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ હનુમા વિહારીને ટીમમાં સ્થાન આપ્યું હતું. રોહિતને પ્રથમ ટેસ્ટમાં બહાર રાખવાને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. મેચ બાદ ખુદ કેપ્ટને તેને સ્થાન ન આપવાનું કારણ આપ્યું હતું.


વિરાટે કહ્યું, 'વિહારીને તે સ્થાન મળ્યું કારણ કે તે માત્ર મહત્વપૂર્ણ પાર્ટ-ટાઇમ બોલરો જ નહીં, પણ ઓવર-રેટને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. અમે પહેલા આ વિશે સામૂહિક ચર્ચા કરી હતી અને પછી નિર્ણય કર્યો કે ટીમ માટે શું સારું હશે. પ્લેઇંગ ઇલેવન વિશે હંમેશાં ઘણાં મંતવ્યો રહેશે, પરંતુ લોકોને ખબર હોવી જોઈએ કે આ ટીમના હિત માટે કરવામાં આવ્યું હતું.

મેચમાં ભારતીય ટીમની પહેલી ઇનિંગમાં હનુમા વિહારીનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. તેણે 32 રનની ઇનિંગ રમી હતી. પરંતુ બીજી ઇનિંગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં તેણે 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 93 રન કર્યા હતા. તેના સિવાય ભારત માટે અજિંક્ય રહાણેએ 81 અને 102, લોકેશ રાહુલે 44 અને 38 રનની ઇનિંગ્સ રમી હતી. બોલર્સમાં જસપ્રીત બુમરાહ (1/55 અને 5/7) અને ઇશાંત શર્મા (5/43 અને 3/31) સારો દેખાવ કર્યો હતો. રહાણે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. બીજી ટેસ્ટ 30 ઓગસ્ટના રોજ જમૈકાના સબીના પાર્ક ખાતે રમાશે.