આગામી મહિને ભારત અને પાકિસ્તાન ટકરાશે ક્રિકેટના મેદાનમાં, શ્રીલંકામાં રમાશે એમર્જિંગ નેશન્સ કપ
નવી દિલ્હીઃ પાકિસ્તાન ડિસેમ્બરમાં એશિયન એમર્જિંગ નેશન્સ કપની છ મેચોની યજમાની કરશે, ભારતે જોકે સુરક્ષાના કારણોને લઇને પોતાની મેચો પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી છે.
પીસીબીના એક અધિકારીએ જણાવ્યું કે, કરાચીમાં ત્રણ મેચો રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે, જોકે અહીં મોટાપાયે નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્રણ અન્ય મેચો સાઉથેન્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અધિકારીએ કહ્યું કે, ‘મહેમાન ટીમો માટે પૂરતી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે અને ચારથી 10 ડિસેમ્બર સુધી કરાચીમાં રહેવા દરમિયાન તેને ઉચ્ચ સુરક્ષા આપવામાં આવશે.’
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે બીસીસીઆઇએ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ કરાચી કે લાહોર મોકલવા માટે ના પાડી દીધી છે, જેમાં એશિયાના સર્વશ્રેષ્ઠ ઉભરતા ખેલાડીઓ ભાગ લેશે.
પીસીબીએ કહ્યું કે, ભારત પોતાની બધી મેચો શ્રીલંકામાં રમશે અને ફાઇનલ પણ કોલંબોમાં રમાશે. ટૂર્નામેન્ટના કરાચીના તબક્કા માટે બાંગ્લાદેશ, યુએઇ અને હોંગકોંગને પાકિસ્તાનની સાથે રાખવામાં આવ્યા છે. જ્યારે શ્રીલંકા, ભારત, અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં કોલંબોમાં મેચ રમશે.