મેલબર્નઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં આજે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇન્ટરનેશનલ મહિલા દિવસના અવસર પર રમાનારી ફાઇનલ બપોરે 12.30 કલાકે શરૂ થશે.  ભારતે ગ્રુપ મેચમાં ટોચ પર રહેતા ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.


ભારત આ રીતે પહોંચ્યું ફાઇનલમાં
ઇગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચ વરસાદના કારણે રદ થતાં ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી. ભારતની સફળતામાં 16 વર્ષની શેફાલી વર્માની આક્રમક બેટિંગનું પણ યોગદાન છે. જો ટીમ ઇન્ડિયાએ પ્રથમવાર આઇસીસી ટ્રોફી જીતવી હશે તો સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત જેવા સ્ટાર બેટ્સમેનોએ સારી બેટિંગ કરવી પડશે. મિડલ ઓર્ડરમાં સારો દેખાવ કરવાની જરૂર છે. ટીમ ઇન્ડિયાને 2017ના વર્લ્ડકપની ફાઇનલમાં અને 2018 વર્લ્ડકપ ટી-20ની સેમિફાઇનલમાં ઇગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


મોદીએ શું કહ્યું

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના ટ્વિટનો જવાબ આપતાં મોદીએ ટ્વિટ કર્યું, મોરિસન, ટી-20 વિશ્વકપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો, આનાથી મોટું કંઈ ન હોઈ શકે. બંને ટીમોને શુભકામના અને મહિલા દિવસના અભિનંદન. સર્વશ્રેષ્ઠ ટીમની જીત થાય. બ્લૂ માઉંટેંસની જેમ MCG પણ બ્લૂ થશે.

90,000 દર્શકો નીહાળશે મેચ

ગઈકાલે પ્રેક્ટિસ સત્ર વખતે અમેરિકન પોપ સ્ટાર કેટી પેરીએ મેલબર્ન ક્રિકેટ મેદાન પર ભારતીય મહિલા સાથે મુલાકાત કરી હતી. કેટી પેરી મહિલા ટી-20 વર્લ્ડકપ પહેલા ઇવેન્ટમાં પરફોર્મ કરશે. જ્યાં તે તેના બે જાણીતા ગીતો પર દર્શકોનું મનોરંજન કરશે. ફાઈનલ મેચમાં આશરે 90,000 દર્શકો મુકાબલો નીહાળવા આવે તેવી સંભાવના છે.

ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શિખા પાંડે, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, વેદા કૃષ્ણમૂર્તિ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, પૂજા વસ્ત્રાકર, તાનિયા ભાટિયા, રાધા યાદવ, હરલીન દેઓલ, અરુંધતિ રેડ્ડી, શેફાલી વર્મા, ઋષા ઘોષ