મુંબઈ: યસ બેન્કના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ રાણા કપૂરની ઈડીએ ધરપકડ કરી લીધી છે. રાણા કપૂરની 31 કલાક મેરાથન પૂછપરછ બાદ સવારે ચાર વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ રાણા કપૂરને આજે સવારે પ્રીવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ કોર્ટ(પીએમએલએ) કોર્ટમાં રજૂ કરાશે. આ પહેલા શનિવારે ઇડીએ રાણાના દિલ્હી અને મુંબઈમાં કેટલાક ઠેકાંણા પર દરોડા પાડ્યા હતા.


રાણા કપૂરને શનિવારે બોપરે બાલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડીના કાર્યલય લાવવામાં આવ્યા હતા. રાણા કપૂર વિરુદ્દ લુક આઉટ નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી હતી. હવે રાણા દેશ છોડીને ભાગી શકશે નહીં. રાણા કપૂરની ધરપકડ બાદ યસ બેન્કના કેટલાક મોટા અધિકારીઓ પણ સંકજામાં આવી શકે છે.

રાણા કપૂર પર આરોપ છે કે ડીએચએફએલ કંપનીને લોન આપવાના બદલે કપૂરની પત્નીના એકાઉન્ટમાં ફાયદો પહોંચાડ્યો હતો. આ દરમિયાન નાણાંકીય ગોટાળો કર્યો હોવાનો આરોપ છે. 2017માં યસ બેન્કે 6,355 કરોડ રૂપિયા બેડ લોનમાં નાંખી દીધા હતા.

નાણાકીય સંકટમાં સપડાયેલી યસ બેન્કને ઉગારવા માટે SBIએ યસ બેન્કમાં રોકાણ કરવાની યોજના બનાવી છે. રિઝર્વ બેન્કે પણ શુક્રવારે ‘ડ્રાફ્ટ રિકન્સ્ટ્રક્શન સ્કીમ’ બનાવી છે. આ સ્કીમ પર એસબીઆઈ પોતાના બોર્ડની મંજૂરી લઈને સોમવારે આરબીઆઈને મળશે. જો કે એક બાજુ બેન્ક દ્વારા સૈદ્ધાંતિક રીતે આ પ્લાનને મંજૂરી મળી ચૂકી છે.

રાણા કપૂર પર આરોપ છે કે અંગત સંબંધોને ધ્યાનમાં રાખીને તેમણે યસ બેંકમાંથી લોન્સ આપી. યસ બેંકએ અનિલ અંબાણી ગ્રુપ, આઈએલએન્ડ એફએશ, સીજી પાવર, એસ્સાર પાવર, એસ્સેલ ગ્રુપ, રેડિયસ ડેવલપર્સ અને મંત્રી જેવા ગ્રુપ્સને લોન આપી છે. તે ડિફોલ્ટર થવાથી યસ બેંકની આ હાલત થઈ છે. આરોપ છે કે આ મોટા બિઝનેસ હાઉસોને લોન અપાવવામાં રાણા કપૂરની સંમતિ રહી. વર્ષ 2018માં રાણા કપૂર પર લોન અને બેલેન્સીટમાં ગરબડનો આરોપ લાગ્યો હતો, તે પછી આરબીઆઈએ તેમને ચેરમેનના પદથી હટાવી દીધા હતા.

યસ બેન્કમાંથી એક મહિનાની અંદર 50 હજાર રૂપિયા ઉપાડવાની લિમિટ રાખવામાં આવી. વિશેષ પરિસ્થિતિઓમાં પૈસા ઉપાડવાની મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. જેમ કે અભ્યાસ, સારવાર અને લગ્ન માટે વધુ રકમ ઉપાડી શકાશે.