England Women vs India Women, 1st Semi-Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું છે.  આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 160 રન જ બનાવી શકી હતી.


 






ટીમ ઈન્ડિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ માટે સોફિયા ડંકલી અને ડેનિયલ વોટ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન વોટે 27 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિકેટકીપર એમી જોન્સે 31 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા. કેપ્ટન નતાલી સેવિયરે 43 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ રીતે ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. આથી તેને રોમાંચક મેચમાં 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


ભારત તરફથી સ્નેહ રાણાએ સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્માએ શાનદાર  બોલિંગ કરતા એક વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપ્યા. આ સિવાય કોઈ પણ વિકેટ લઈ શક્યું ન હતું. આ મેચમાં ભારતીય ટીમે ત્રણ ખેલાડીઓને રનઆઉટ કર્યા હતા.


પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શેફાલી વર્માએ બે ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે અણનમ 44 રન બનાવ્યા હતા. તેણે 31 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 20 અને દીપ્તિ શર્મા 22 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.