નવી દિલ્હી: ભારતી ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એશિયા કપની યજમાની કરવામાં કોઈ વાંધો નથી પરંતુ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈએ કહ્યું કે એશિયા કપનું સ્તર તટસ્થ હોવું જોઈએ, કારણ કે તેના માટે હાલના સમયે પાકિસ્તાન જવાનો કોઈ વિકલ્પ નથી.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને શનિવારે કહ્યું હતું કે જો ભારતીય ટીમ આ વર્ષે સપ્ટેમ્બરમાં થનારા એશિયા કપ ટી-20 માટે પાકિસ્તાન પ્રવાસે નહીં આવે તો, પાકિસ્તાન પણ 2021 વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત નહીં મોકલે. ઉલ્લેખનીય છે કે ભારત 2008થી પાકિસ્તાનમાં એક પણ મેચ રમ્યું નથી.
બીસીસીઆઈના એક પદાધિકારીએ કહ્યું કે, યજમાનીનો કોઈ મુદ્દો નથી અને આ માત્ર એક તટસ્થ સ્થળની પર રમવાની વાત છે. કારણ કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. અધિકારીએ કહ્યું- સવાલ એ નથી કે પીસીબી મેજબાની કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટના સ્થળની વાત છે. એ સ્પષ્ટ છે કે અમને તટસ્થ મેદાનની જરૂરિયાત રહેશે. એશિયા કપ જેવી મલ્ટી-નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન જવાની કોઇ સંભાવના નથી. જો એશિયન ક્રિકેટ કાઉન્સિલ ભારત સિવાય એશિયા કપ માટે તૈયાર થઇ જતી હોય તો તે અલગ વાત છે.