નવી દિલ્હી: પાંચવારનાં ચેમ્પિયન અને સ્ટાર ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ પણ કોરોના વાયરસથી બચવામાં લાગ્યા છે. એક ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જર્મની ગયેલા વિશ્વાનાથન આનંદ ત્યાં જ ફસાઇ ગયા છે. તેમને સોમવારે એટલે આજે 16 માર્ચનાં રોજ ભારત પરત આવવાનું હતું. પરંતુ તેઓ આ મહિનાનાં અંત સુધી આવી નહીં શકે. ત્યાર સુધી આનંદે પોતાની જાતને સેલ્ફ આઇસોલેશનમાં રાખ્યા છે. હાલ તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે વીડિયો કોલિંગની મદદથી વાત કરે છે.


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં રિપોર્ટ પ્રમાણે, વિશ્વનાથ આનંદે કહ્યું કે, આ અલગ અનુભવ છે. જિંદગીમાં પહેલીવાર મારે અલગ રહેવા મજબૂર થવું પડ્યું છે. મારા દિવસનાં મોટા ભાગના કલાકો દીકરા અને પત્ની સાથે વાત કરવામાં જાય છે. તેમની સાથે વાત કરીને મને સારૂં લાગે છે. નોંધનીય છે કે, જર્મનીમાં કોરોના વાયરસનો પહેલો મામલો 27 જાન્યુઆરી 2020માં સામે આવ્યો હતો.

તેમણે કહ્યું કે કોરોના વાયરસ COVID-19ના પ્રકોપના કારણે દુનિયાભરમાં મારા મિત્રો પરેશાન છે. પહેલીવાર અમારી પાસે ઇન્ટરનેટ પર મિત્રો સાથે વાતચીત કરવાની સંભાવના છે. એવું કરવું સારું છે.

Coronavirusના કારણે દુનિયાભરના અનેક શહેરો લૉકડાઉન કરવામાં આવી રહ્યાં છે. પરિવહન થંભી ગયા છે. અનેક શહેરોમાં તો એરપોર્ટ પણ બંધ છે. લોકોની અવર-જવર પણ લગભગ બંધ છે. અનેક લોકો આ ચેપના ભયના કારણે બહાર આવતા ખચકાય છે. સેમિનાર, આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ, ખેલ આયોજન, બેઠકો બધુ જ રદ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તેનાથી સૌથી વધુ નુકસાન જો કોઇને થશે તો તે છે પર્યટન ઉદ્યોગ એટલે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી.

પર્યટન ઉદ્યોગમાં Coronavirusના કારણે 5 કરોડ લોકોનો રોજગાર છીનવાઇ શકે છે. આ જાણકારી વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (WTTC) ઇન્ડસ્ટ્રી ગ્રુપે આપી છે.