ટી 20 અંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી20 સિરીઝમાં ન્યૂઝિલેન્ડના સૂપડા સાફ કર્યા છે. આ પહેલા દુનિયાની કોઈ ટીમે આ કમાલ નથી કર્યો. ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો પાંચ મેચની સિરીઝ જીતનારી ટીમ ઓસ્ટ્રેલિયા હતી જ્યારે પાંચ મેચની વનડે સિરીઝ જીતનારી ટીમ વેસ્ટ ઈન્ડિઝ હતી.
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર ડંકો વગાડતા ઐતિહાસિક જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાએ કિવી ટીમને પાંચમી અને અંતિમ ટી20માં 7 રનથી માત આપીને ટી20 સીરીઝમાં વ્હાઇટ વૉશ કર્યુ હતું. ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા, અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 156 રન જ બનાવી શકી હતી.