નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પાંચમી ટી-20 મેચ બે ઑવલમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 163 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને કેપ્ટનશિપ કરી રહેલો રોહિત શર્મા 41 બોલમાં 60 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. આ દરમિયાન રોહિત શર્માએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો હતો.

વિરાટ કોહલીને રાખ્યો પાછળ

રોહિત શર્મા ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારો ખેલાડી બની ગયો હતો. રોહિતે ટી-20 કરિયરની 25મી ફિફ્ટી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નામે ટી-20 ઈન્ટરનેશનલમાં 24 અડધી સદી નોંધાયેલી છે અને તે બીજા ક્રમે છે.


ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ અને આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગના નામે 17-17 અડધી સદી છે અને લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 16 અડધી સાથે ચોથા ક્રમે છે.

આ રેકોર્ડ પણ બનાવ્યો રોહિત શર્માએ

આ ઉપરાંત રોહિત શર્માએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20માં ચોથી વખત 50 કે તેથી વધુનો સ્કોર કર્યો હતો. લોકેશ રાહુલ અને વિરાટ કોહલી 2-2 વખત ન્યૂઝીલેન્ડ સામે ટી-20માં 50 કે તેથી વધારે રનનો સ્કોર કરી ચુક્યા છે.