મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમમાં બે જૂથ પડી ગયાં હોવાના સમાચાર છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે મનમેળ નથી અને ટીમમાં બે ભાગ પડી ગયા છે. આ જૂથબંધી માટે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની મનમાની જવાબદાર છે.

રોહિત શર્માની સાથે મહેન્દ્રસિંહ ધોની પણ છે. ધોની અને રોહિત રવિન્દ્ર જાડેજાને પહેલી મેચથી રમાડવાના મતના હતા પણ કોહલી શાસ્ત્રીએ મનમાની કરીને તેને બહાર રાખ્યો હતો. જાડેજાને ટીમમાં સમાવાયો ત્યારે તેણે પોતાની ઉપયોગિતા સાબિત કરી હતી.

ન્યૂઝીલેન્ડની સામે સેમિ ફાઇનલમાં રવિન્દ્ર જાડેજા ચોગ્ગા છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે રોહિત શર્માએ સતત તાળીઓ પાડીને તેનો ઉત્સાહ વધાર્યો હતો. રોહિત શર્મા અને કોહલી વચ્ચે સેમિ ફાઇનલમાં મોહમ્મદ શમીને બહાર બેસાડવાનાં નિર્ણયથી પણ અણભનાવ બન્યો હતો.

મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં શાનદાર ફૉર્મમાં હતો અને તેણે 4 મેચમાં જ 14 વિકેટ ઝડપી લીધી હતી. રોહિતે આ સંજોગોમાં શમીને રમાડવાની તરફેણ કરી હતી. શમીને બહાર રાખવાના નિર્ણય સામે તેણે સવાલ ઉઠાવ્યો હતો. શાસ્ત્રી તથા કોહલીએ તેને પોતાનો નિર્ણય સ્વીકારવાનું કહ્યું હતું.