નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર રાહુલ ચાહરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. 20 વર્ષના લેગ સ્પિનર રાહુલે ઇશાનીને પોતાની હમસફર બનાવવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ભારતના સ્ટાર બોલર દીપક ચાહરનો નાનો ભાઈ છે. રાહુલના કઝીન દીપક ચાહરે સેરેમનીના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને આ જાણકારી આપી હતી.

હાલના સમયમાં ભારતીય ક્રિકેટમાં ચહર બ્રધર્સ તરખાટ મચાવી રહ્યા છે. દીપક અને રાહુલ બંનેને ક્રિકેટ એક્સપર્ટ્સ ભારતીય નેશનલ ક્રિકેટનું ભવિષ્ય માની રહ્યા છે. જ્યાં 20 વર્ષનો રાહુલ લેગ સ્પિનર છે તો 27 વર્ષનો દીપક ઝડપી બોલર છે.


રાહુલે આ વર્ષે ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો. રાહુલે 1 વિકેટ ઝડપી હતી. રાહુલે કેરેબિયન કેપ્ટન કાર્લોસ બ્રાથવેઇટને પોતાનો શિકાર બનાવ્યો હતો. બાંગ્લાદેશ સામેની ઘરેલું શ્રેણીમાં પણ રાહુલ ટી-20 ટીમનો ભાગ હતો.



એક મહિના પહેલા જ દીપકે બાંગ્લાદેશ વિરુદ્ધ ઈતિહાસ રચી દીધો હતો. 10 નવેમ્બરે નાગપુર ટી-20 મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ દીપકે સાત રન આપીને 6 વિકેટ લીધી હતી. હેટ્રિક લેનારો તે પહેલા ભારતીય પુરુષ ખેલાડી બની ગયો હતો. જુલાઈ 2018માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ દીપક ચહર અત્યાર સુધીમાં માત્ર એક વન-ડે અને 10 ટી-20 મેચ રમી છે.



રાહુલે રાજસ્થાન તરફથી 2016માં પ્રોફેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. આ લેગ સ્પિનરે 16 ફર્સ્ટ ક્લાસ મેચમાં 64 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં રાહુલ 2017માં પૂણે જાયન્ટ્સની ટીમમાં હતો. હાલ તે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. તે 16 આઈપીએલ મેચ રમ્યો છે. જેમાં 15 વિકેટ ઝડપી છે.