ઈન્ડિયન પ્રિમિયર લીગની દરેક ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આઈપીએલ 2020 ક્યારથી શરૂ થશે તેની તારીખ હજુ સુધી જાહેર થઈ નથી. પરંતુ હવે આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ જ આઈપીએલ 2020ની તારીખ લીક કરી નાખી છે તેવું વાયરલ થયું છે. દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આઈપીએલ 2020નો પ્રારંભ 29 માર્ચથી થશે.


દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ કહ્યું હતું કે, આઈપીએલ 29 માર્ચથી શરૂ થવાની છે તે તારીખ નક્કી કરી દેવામાં આવી છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની કેપ્ટનશીપવાળી અને હાલની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પોતાના ઘરમાં પ્રથમ મેચ રમીને અભિયાનનો પ્રારંભ કરાવશે.

આનો અર્થ એ છે કે, આઈપીએલની શરૂઆતમાં મેચ રમતી અમુક ટીમોને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડનાં ખેલાડીઓની સેવાઓ મળી શકશે નહીં. કારણ કે, આ સમયે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝનું આયોજન છે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ છે. જે 31 માર્ચે સમાપ્ત થશે.

અન્ય એક ફ્રેન્ચાઈઝીના સીનિયર અધિકારીએ આ પહેલાં કહ્યું હતું કે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ફરી એકવાર જૂના ફોર્મેટના આધારે ડબલ હેડરનું આયોજન કરશે અને આ ટુર્નામેન્ટ 1 એપ્રિલથી શરૂ થશે.