નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તા ટેસ્ટથી પોતાની ડે-નાઇટ ટેસ્ટ સફરની શરૂઆત કરવા જઇ રહી છે. બીસીસીઆઇના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે આ વાતની પુષ્ટી કરી હતી. ભારત અને બાંગ્લાદેશની ટીમો 22-26 નવેમ્બરના રોજ પિંક બોલ ટેસ્ટ મેચ રમવા મેદાન પર ઉતરશે. બંન્ને ટીમો ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર પિંક બોલથી ડે-નાઇટ ટેસ્ટ ક્રિકેટ રમશે. સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આ પ્રવાસ પર પિંક બોલ ટેસ્ટ મેચનો પ્રસ્તાવ મુક્યો હતો જેને બીસીસીએ સ્વીકાર કરી લીધો હતો. સૌરવ ગાંગુલી અધ્યક્ષ બનતા અગાઉ ટીમ ઇન્ડિયા સતત પિંક બોલ ટેસ્ટની શરૂઆત કરવાથી  બચતી હતી. પરંતુ ગાંગુલીએ અધ્યક્ષ બનતાની સાથે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથેની પોતાની પ્રથમ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને કોહલીએ પિંક બોલથી ડે-નાઇટ ટેસ્ટ રમવાની  હા પાડી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયાને 2018-19માં ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પિંક બોલ ટેસ્ટ રમવાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ ટીમ ઇન્ડિયાએ એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો નહોતો.