નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુનામેન્ટની વુમન્સ સિંગલની ફાઇનલમાં પહોંચી છે. તેણે સેમિફાઇનલમાં ચીનની ચેન યૂફીને સીધી ગેમમાં  21-19 અને 21-10થી હાર આપી હતી. આ વર્ષે પ્રથમ તક છે જ્યારે સિંધુએ કોઇ મોટી ટુનામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.


જાકાર્તામા ચાલી રહેલી આ ટુનામેન્ટની ફાઇનલમાં સિંધુ જાપાનની અકાને યામાગુચી સામે ટકરાશે. જેના વિરુદ્ધ સિંધુનો રેકોર્ડ શાનદાર છે. યામાગુચી એક અન્ય સેમિફાઇનલમાં ચીની તાઇપેઇની તાઇ જૂ યિંગને હરાવીને ફાઇનલમાં પહોંચી છે.

46 મિનિટ ચાલેલી રમતમા સિંધુ માટે પ્રથમ ગેમ મુશ્કેલ રહી હતી પરંતુ તેણે બાદમા વાપસી કરી હતી. આ ગેમ તેણે 26 મિનિટમાં 21-19થી પોતાના નામે કરી હતી. બીજી ગેમમાં તેણે હરીફને તક આપી નહોતી અને 20 મિનિટમાં  જીત હાંસલ કરી હતી. આ અગાઉ દુનિયાની 5મી રેન્કની ખેલાડીસિંધુએ વર્લ્ડ નંબર ટુ જાપાનની નોજોમી ઓકુહારાને 21-14 અને 21-7થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ઓકુહારાને 44 મિનિટમાં હાર આપી હતી.