INDvENG: પ્રથમ વખત ટીમમાં ફેરફાર વગર મેદાન પર ઉતરશે કેપ્ટન કોહલી ?
લંડનઃ ઈંગ્લેન્ડ સામે નોટિંઘમ ટેસ્ટમાં મળેલા ભવ્ય વિજય બાદ ભારતીય ટીમના આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો થયો છે. જીતની સાથે જ ભારતે શ્રેણી જીવંત રાખી છે. ભારતે ચોથી મેચની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ત્રીજી ટેસ્ટેમાં શિખર ધવન અને લોકેશ રાહુલે બંને ઈનિંગમાં અડધી સદીની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવતાં તેમનું સ્થાન નિશ્વિત કરી લીધું છે. જ્યારે મિડલ ઓર્ડરમાં પૂજારા, રહાણે અને પંડ્યાએ નોંધપાત્ર દેખાવ કર્યો છે. તેથી આ સ્થિતિમાં ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ટીમમાં સમાવાયેલા પૃથ્વી શો અને હનુમા વિહારીના સમાવેશની નહીંવત શક્યતા છે.
ટ્રેન્ટ બ્રિજમાં જીત બાદ હવે સવાલ ઉઠવા લાગ્યો છે કે શું કેપ્ટન વિરાટ કોહલી તેની 38 ટેસ્ટ મેચના રેકોર્ડને પાછળ રાખીને પ્રથમ વખત સતત બે ટેસ્ટમાં એક જ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ? હાલ ટીમમાં ફેરફારના કોઈ એંધાણ દેખાતા નથી. જો અશ્વિન અનફિટ હશે તો પ્લેઇંગ ઇલેવનમમાં ફેરફાર કરવામાં આવશે. બુમરાહના આવવાથી બોલિંગ આક્રમણ વધારે મજબૂત બન્યું છે.