નવી દિલ્હીઃ ત્રણ ટી20 મેચની સીરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. સતત વરસાદને કારણે મેચમાં ટોસ જ થયો ન હતો. એકપણ બોલ ફેંક્યા વગર મેચ રદ્દ કરવી પડી હતી. હવે ભારત આફ્રિકા વચ્ચેની બીજી ટી20 મેચ મોહાલીમાં રમાશે.

18મી સપ્ટેમ્બરે મોહાલી ખાતે બીજી ટી20 રાશે. આ મેચ દરમિયાન હવામાન કેવું રહેશે તે વિશે જાણવાની ફેન્સ વચ્ચે ભારે ઉત્સુક્તા છે. ધર્મશાળા ટી20 વરસાદના કારણે ધોવાતા નિરાશ ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે થનારી આ ટી20 મેચ પર વરસાદનું જોખમ ઓછું છે. તે દિવસ મોસમ સાફ અને સામાન્ય રહેશે એવા અહેવાલ છે. જોકે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી વરસાદ થવાની સંભાવના પણ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ધર્મશાળામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટી20 મેચ રદ થઈ હતી. તેથી હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશને ટિકિટના રૂપિયા પરત કરવાનો નિર્ણય કર્યો છે. વરસાદના કારણે અત્યાર સુધી ટીમ ઇન્ડિયાના 4 ટી20 મેચ ધોવાયા છે.