ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. સોમવારે રાત્રે 10.30 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, શહેરના મેયર બિજલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. માદરે વતન પધારેલા મોદીને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એરપોર્ટ પર એકત્ર થયા હતા. એરપોર્ટ રોડને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. રાજભવનમાં મોદી રાત્રિરોકાણ કરશે.


મંગળવારે 17 સપ્ટેમ્બરનાં રોજ પીએમ મોદીનો બર્થ ડે છે. જન્મ દિવસે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ ‘નમામી દેવી નર્મદે’ની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરશે. મોદી તેમના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે માતા હીરાબાનાં વહેલી સવારે આશીર્વાદ લેવા જશે. જે બાદ 6.35 કલાકે ગાંધીનગર સચિવાલય હેલીપેડથી હેલિકોપ્ટમાં પીએમ મોદી કેવડિયા જવા રવાના થશે. સવારે 7.45 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન થશે. 8 થી 9.30 કેવડિયા સ્થિત વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. 9.30થી 10 સુધી મા નર્મદાનું પૂજન કરશે અને ડેમ કંટ્રોલ રૂમની વિઝિટ કરશે. સવારે 10થી 11 ગરુડેશ્વ વિયર સ્થિત દત્ત મંદિરમાં દર્શન તથા ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્કની મુલાકાત લેશે.

11 થી 12 દરમિયાન જાહેર સભાને સંબોધશે. બપોર 1.15 કલાકની આસપાસ તેઓ ગાંધીનગર સચિવાલય હેલીપેડ પરત ફરશે. જે બાદ તેઓ 2.30 સુધી ગાંધીનગર રાજભવનમાં મીટિંગ કરશે અને 2.30 બાદ અનુકૂળતા પ્રમાણે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.