પહેલાં આ ઈન્ટરવ્યૂ 13 અને 14 ઓગસ્ટે યોજાવના હતા જોકે હવે ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે કોચની પસંદગી કરતી વખતે કેપ્ટનની સલાહ લેવામાં આવશે નહીં.
નવી દિલ્હી: ભારતીય ટીમના કોચની પસંદગી કરવા માટે 16 ઓગસ્ટે મુંબઈમાં ઈન્ટરવ્યૂ યોજાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ઈન્ટરવ્યૂની તારીખની જાણકારી ઈ-મેલ દ્વારા ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિને આપી દીધી છે. સલાહકાર સમિતિના એક મેમ્બરે કહ્યું હતું કે, ઈન્ટરવ્યૂની તારીખની જાણકારી બીસીસીઆઈ દ્વારા મોકલવામાં આવેલા એક ઈ-મેલથી મળી ગયેલ છે. 16 ઓગસ્ટે મુંબઈમાં આ ઈન્ટરવ્યૂ યોજાશે. બોર્ડને પહેલાં લાગતું હતું કે, ઈન્ટરવ્યૂમાં બે દિવસ લાગી શકે છે પણ ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા બાદ જાણકારી આપવામાં આવી છે કે આ કામ માત્ર એક જ દિવસનું છે. કોચ પદ માટે 6 ઉમેદવારોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે. પહેલાં આ ઈન્ટરવ્યૂ 13 અને 14 ઓગસ્ટે યોજાવના હતા જોકે હવે ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે કોચની પસંદગી કરતી વખતે કેપ્ટનની સલાહ લેવામાં આવશે નહીં. આ સંદર્ભમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, મહિલા ક્રિકેટ ટીમનો કોચ પસંદ કરતી વખતે પણ કેપ્ટનની સલાહ લેવામાં આવી નહોતી. આ વાત પુરુષોની ટીમની પસંદગી વખતે પણ લાગુ પડે છે. કોચ પસંદ કરવા માટે ત્રણ સભ્યોની સલાહકાર સમિતિમાં વર્લ્ડ કપ વિજેતા સુકાની કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને ભૂતપૂર્વ મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોચ બનવાની રેસમાં રવિ શાસ્ત્રી સૌથી આગળ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો ટોમ મૂડી અને ન્યૂઝીલેન્ડનો માઈક હસન પણ શાસ્ત્રીને ટક્કર આપી રહ્યા છે. ટોમ મૂડીએ આઈપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ અને માઈક હેસને કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના કોચ પદેથી રાજીનામાં આપી દીધું છે. રવિ શાસ્ત્રીને હાલમાં કોચ હોવાના કારણે સીધી એન્ટ્રી મળી ગઈ છે. શાસ્ત્રીને ફરી કોચ પદ મળે એવી સંભાવના છે. કેપ્ટન વિરાટ કોહલીએ પણ એના નામની ભલામણ કરી છે. શાસ્ત્રીનો કાર્યકાળ 45 દિવસ વધારવામાં આવ્યો છે અને તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સુધી કોચ પદે રહેશે.