નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો બચાવ કર્યો છે અને કહ્યું કે, કોહલીના ફોર્મને લઈને ચિંતાની કોઈ વાત નથી. ઇન્ઝમામે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોહલી મજબૂતીથી વાપસી કરશે. કોહલીની કેપ્ટશિપમાં ભારતનની ન્યૂઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો. આ સીરિઝમાં ભારત ભારતના સ્ટાર બેટ્સમેન કોહલીએ 2, 19, 3, 14 રનની ઇનિંગ રમી હતી.

ઇન્ઝમામે પોતાના યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, “ઘણાં લોકો કોહલીની ટેકનીક અને બીજી અન્ય વાતો કરી રહ્યા છે. હું આ બધી વાતોથી હેરાન છું. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સેન્ચુરી ફટકારી છે, તમે કેવી રીતે તેની ટેકનીક પર સવાલ ઉઠાવી શકો છો.”



તેણે કહ્યું, “એક ક્રિકેટર તરીકે હું કહી શકું છું કે ખેલાડીઓની કારકિર્દીમાં એવો સમય પણ આવતો હોય છે જ્યારે પ્રયત્નો બાદ પણ તે રન નથી બનાવી શકતા. મોહમ્મદ યૂસુફની બેકલિફ્ટ ઉંચી હતી. તેનું બેટ ગલીની દિશાથી નીચે આવતું હતું. જ્યારે તેનું ફોર્મ ખરાબ થયું ત્યારે તેની ટેકનીકને લઈને વાતો થવા લાગી હતી. જ્યારે તે મારી પાસે આવ્યો તો મેં કહ્યું કે, તે આ ટેકનીકથી આટલા રન કેવી રીતે કર્યા?.”

ઈન્ઝમામે કહ્યું કે, ‘ટીમ સારું પ્રદર્શન નથી કરી રહી. જો કોહલી ફેલ થઈ રહ્યો છે તો બીજા ખેલાડીઓનું શું? આ રમતનો એક ભાગ છે અને તેને મંજૂર રાખવો જોઈએ.’ ઈન્ઝમામે કહ્યું કે, કોહલીને પોતાની ટેકનીકમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.