IPL મેચને લઈને થયો મોટો ફેરફાર, ફેન્સ માટે Good news
જણાવી દઈએ કે, આઈપીએલ-11માં અત્યાર સુધી તમામ ટીમો 10-10 મેચ રમી ચુકી છે. પોઈન્ટ ઓફ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સૌથી ઉપર ચાલી રહી છે, જ્યારે રોયલ ચેલેન્જર બેંગલોર અને દિલ્હી ડેરડેવિલ્સ સૌથી નીચે છે.
22 મેના રોજ મુંબઈમાં પ્રથમ ક્વાલિફાયર અને 27 મેના રોજ ફાઈનલ મેચ રમાશે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં 23 મેના રોજ એલિમિનેટર અને 25 મે બીજી ક્વાલિફાયર મેચ રમાશે.
નવી દિલ્હી: આઈપીએલ મેચના ટાઈમિંગને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર પ્લે ઓફ અને આઈપીએલ ફાઈનલ માટે લાગુ થશે. ફેરફાર પ્રમાણે મેચ હવે સાંજે આઠ વાગ્યે નહીં પણ સાત વાગ્યાથી શરૂ થશે. આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે આ ફેરફાર ક્રિકેટ ચાહકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
શુક્લાએ જણાવ્યું કે-આઈપીએલ આજે જે પણ છે પોતાના ચાહકોના કારણે છે. ફેન્સ મેદાન પર અને ટીવી પર પૂરા ઝનૂન સાથે આઈપીએલને નિહાળતા હોય છે. આ ફેન્સની સમસ્યાઓને ધ્યાનમાં લેતાં આઈપીએલ પ્લે ઓફ મેચ અને ફાઈનલ 8 વાગ્યાની જગ્યાએ હવે સાત વાગ્યે શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે અનેક મેચ રાતે 12 વાગ્યા બાદ પણ ખેંચાતી હતી. તેના જ કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીને 12 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડ્યો હતો. તેથી મેચ હવે આગળ કરવાની યોજના છે. રાજીવ શુક્લા અનુસાર મેચ દરમિયાન સ્ટેડીયમ ખાલી થવા લાગે છે. દર્શકો મોડી રાતે સુધી મેચ જોવાના મૂડમાં હોતા નથી. આ સ્થિતિને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે.