વિશાખાપટ્ટનમઃ આઈપીએલના એલિમિનેટરમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સને 2 વિકેટે હાર આપી હતી. આ મેચમાં રિષભ પંતે એક એવી ભૂલ કરી જેનાથી દિલ્હીને હારનો સામનો કરવો પડી શકત. પંતના આ ભૂલથી એક સરળ જીત પણ ખૂબ જ મુશ્કેલ લાગવા લાગી હતી. મેચ ખત્મ થયા બાદ પંતે આ મામલે નિવેદન આપ્યું હતું.




દિલ્હીને જીત માટે 9 બોલમાં 5 રનની જરૂરત હતી. ક્રીઝ પર રિષભ પંત 49 રન બનાવીને રમી રહ્યા હતા, ત્યારે જ ભુવનેશ્વર કુમારના બોલ પર બિનજવાબદારીભર્યો શોટ રમીને આઉટ થઈ ગયા અને મેચ ફસાઈ ગયો. પંત બાદ કોઈ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ન હતો. જોકે, દિલ્હીએ આ મેચ 2 બોલ પહેલા જ જીતી લીધી હતી. આ ભૂલને લઈને પંતને કહ્યું, ‘જો તમે આવી પિચ પર સેટ થઈને બેટિંગ કરી રહ્યા છો, તો તમારે મેચ ખત્મ કરવો જોઈએ. મેચને હું નજીક સુધી લઈ ગયો, પરંતુ ફિનિશ ન કરી શક્યો. હવે પછી મેચ જીતાડીને જ પરત ફરીશ. ત્યાર બાદથી હું ખુદને પોઝિટવ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. નકારાત્મકતા તમારી મદદ ન કરી શકે.’



પંતે હૈદ્રાબાદ વિરૂદ્ધ તાબડતોડ બેટિંગ કરી હતી. પંતે 6 છગ્ગાની મદદથી 21 બોલમાં 49 રન બનાવીને દિલ્હીને મેચમાં વાપસી કરાવી હતી. પોતાની આ બેટિંગ માટે પંતે કહ્યું કે, ‘જ્યારે 20 બોલરમાં 40 રન જોઈતા હતા, ત્યારે તમે માત્ર અટેક કરવાનું વિચારો છો. તમે એ નથી જોતા કે સામે ક્યો બોલર છે. હું બોલને ઝડપથી મારવાનો પ્રયત્ન કરી રહ્યો ન હતો. બસ બોલને જોઈને ટાઈમ કરી રહ્યો હતો.’