નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 અને વન ડે શ્રેણી સમાપ્ત થયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગનો આરંભ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 2019ની સીઝન માટે બીસીસીઆઈ દ્વારા આજે પ્રથમ બે સપ્તાહનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આઈપીએલની શરૂઆત 23 માર્ચથી થશે. આઈપીએલ 2018ની વિજેતા ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈમાં પ્રથમ મેચ રમાશે. આઈપીએલની ગત સિઝનમાં ધોની શાનદાર ફોર્મમાં હતો અને આ વખતે પણ સીએસકેના ફેન્સ તેની પાસેથી આવા જ દેખાવી આશા રાખી રહ્યા છે. આ વખતે ધોની ત્રણ મોટા રેકોર્ડ બનાવી શકે છે.



IPLમાં 200 છગ્ગાઃ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 186 છગ્ગા ફટકારી ચુક્યો છે. તેની પાસે 200 સિક્સ પૂરી કરવાની તક છે. ક્રિસ ગેલ 292 સિક્સ સાથે ટોપ પર છે. આઈપીએલમાં સુરેશ રૈના 185 અને રોહિત શર્મા 184 સિક્સ મારી ચુક્યા છે.



વિકેટકિપર તરીકે સૌથી વધુ શિકારઃ એમએસ ધોની પાસે આઈપીએલમાં વિકેટકિપર તરીકે સૌથી વધુ શિકાર કરવાની પણ તક છે. ધોની આઈપીએલમાં અત્યાર સુધીમાં 116 શિકાર કરી ચુક્યો છે. કોલકાતા નાઇટરાઇડર્સનો કેપ્ટન દિનેશ કાર્તિક 152 ઇનિંગમાં 124 શિકાર સાથે ટોપ પર છે. આ સીઝનમાં કાર્તિક અને ધોની વચ્ચે વિકેટની પાછળ શિકર બાબતે હરિફાઇ જામશે તેમાં કોઈ શંકા નથી.



કેપ્ટન તરીકે 100 જીતઃ ધોની ભારતીય ક્રિકેટનો જ નહીં આઈપીએલનો પણ શ્રેષ્ઠ કેપ્ટન છે. આઈપીએલની 159 મેચમાંથી ધોની 94 જીતી ચૂક્યો છે. જેમાં તેની જીતની ટકાવારી 59.49% છે. ધોનીએ આઈપીએલમાં કેપ્ટન તરીકે 100 જીત મેળવવા 2019ની સિઝનમાં 6 મેચ જીતવી ફરજિયાત છે.

વાંચોઃ IPL 2019નું શેડ્યૂલ થયું જાહેર, જાણો કોની વચ્ચે ક્યારે રમાશે પ્રથમ મેચ