નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતવા આપેલા 177 રનના લક્ષ્યાંકને કિંગ્સ ઇલેવન પંજાબે 18.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. પંજાબ તરફથી ઓપનર લોકેશ રાહુલ 57 બોલમાં 71 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ક્રિસ ગેલે 24 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે આઇપીએલમાં 300 સિક્સર મારનારો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. મુંબઈ તરફથી કૃણાલ પંડ્યાએ 43 રનમાં 2 વિકેટ લીધી હતી.


કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ડીકોકે 39 બોલમાં 60 તથા રોહિત શર્માએ 19 બોલમાં 32 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી શમી, વિજોન અને એમ અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી.


આઈપીએલ 2019ની નવમી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાઇ હતી. પંજાબે આજની મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.