નવી દિલ્હીઃ કેપ્ટન આર અશ્વિનના માંકડિંગ વિવાદ વચ્ચે કિંગ્સ ઇલેવન પંજાબ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. અશ્વિને જોસ બટલરને માંકડિંગ આઉટ કર્યા બાદ વિવાદ પેદા થયો હતો. મેચમાં પંજાબે રાજસ્થાન રોયલ્સને 14 રન પર હાર આપી હતી. અશ્વિને જે કાંઇ કર્યું તે નિયમ પ્રમાણે યોગ્ય હતુ પરંતુ તેને લઇને મોટો વિવાદ થયો હતો.
જોકે, આ વિવાદ વચ્ચે અશ્વિન અને તેની ટીમ ઇડન ગાર્ડન્સ પર કેવી રીતે કોલકત્તાનો સામનો કરશે તે જોવાનું રહેશે. પંજાબની ટીમ પાસે ગેઇલ જેવો વિસ્ફોટ ખેલાડી છે તો કોલકત્તાનો ખેલાડી આંદ્રે રસેલ શાનદાર ફોર્મમાં છે. ગેઇલે રાજસ્થાન સામે ધીમી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં આક્રમક બેટિંગ કરી હતી. અગાઉ કેકેઆર તરફથી રમી ચૂકેલો ગેઇલ ઇડન ગાર્ડન્સની પીચના મિજાજથી જાણે છે. બીજી તરફ રસેલે પણ અગાઉની મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ 19 બોલમાં 49 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો.