નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 46મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો હતો. જેમાં દિલ્હીએ આરસીબીને 16 રનથી હાર આપી હતી.  દિલ્હીએ મેચ જીતવા આપેલા 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 171 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી શિખર ધવને 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે આઈપીએલમાં એક ખાસ રેકોર્ડ બનાવી દીધો હતો.


ધવને આઈપીએલમાં શાનદાર ફોર્મ જાળવી રાખતાં સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારવાની સાથે 12મી સીઝનમાં 450 રન પણ બનાવી દીધા હતા. આ સાથે જ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં તે બીજા સ્થાન પર પહોંચી ગયો છે. એટલું જ નહીં ધવને શાનદાર ફોર્મની મદદથી ટી20 લીગમાં 37મી અડધી સદી ફટકારી હતી.


આ સાથે જ તે આઈપીએલમાં વિરાટ કોહલીને પાછળ રાખીને સૌથી વધારે અડધી સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી, સુરેશ રૈના અને ગૌતમ ગંભીર આઈપીએલમાં 36 અડધી સદી લગાવી ચુક્યા છે. જ્યારે રોહિત શર્માએ 35 ફિફ્ટી ફટકારી છે. સૌથી વધારે અડધી સદી ફટકારવાના મામલે ડેવિડ વોર્નર સૌથી આગળ છે. તેણે 43 અડધી સદી લગાવી છે.


શિખર ધવને આઇપીએલમાં અત્યાર સુધીમાં 155 મેચોમાં 33.90ની સરેરાશ અને 124.76ના સ્ટ્રાઇક રેટની 4509 રન બનાવ્યા છે.