IPL-12: આજે SRH અને RCB વચ્ચે મેચ, કોહલીના બોલરો વોર્નરને રોકવાના કરશે પ્રયાસ
abpasmita.in | 31 Mar 2019 02:28 PM (IST)
નવી દિલ્હીઃ પોતાની પ્રથમ જીતથી ઉત્સાહિત સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આજે પોતાના ઘરમાં આરસીબીનો સામનો કરશે. આ મેચમાં એકવાર ફરી તમામની નજર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર પર રહેશે. વોર્નર અગાઉની બંન્ને મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ફોર્મમાં છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વોર્નરે 37 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેની મદદથી હૈદરાબાદ પાંચ વિકેટના નુકસાન પર 199 રનનું લક્ષ્યાંક પાર કર્યું હતુ. મેચ બાદ વોર્નરે દાવો કર્યો હતો કે પીચ બેટિંગ માટે સરળ નહોતી. વોર્નર આજે પણ મોટો સ્કોર કરવા માટે પ્રતિબદ્ધ છે. હૈદરાબાદ માટે વોર્નર સિવાય જોની બેયર્સો, વિજય શંકર પણ સારી બેટિંગ કરી રહ્યા છે. હૈદરાબાદની બેટિંગ ખૂબ મજબૂત છે અને આરસીબીના બોલરો માટે તેમને રોકવા સરળ નહી રહે.આરસીબી અત્યાર સુધી પોતાની બંન્ને મેચ ગુમાવી ચૂકી છે અને વિરાટ કોહલીની ટીમ પ્રથમ પોઇન્ટ મેળવવા માટે ઉત્સુક છે. આરસીબી ચેન્નઇ અને મુંબઇ સામે મેચ ગુમાવી ચૂકી છે.