નવી દિલ્હીઃ ક્રિકેટ ખેલાડીઓ માટે ઘરે જવું અને પોતાના પરિવારની સાથે સમય વિતાવવાનો ઘણો ઓછો સમય મળતો હોય છે. મેચ માટે અલગ અલગ દેશમાં તેમને ટ્રાવેલ કરવું પડે છે, માટે મોટાભાગનો સમય પરિવારથી દૂર જ રહેવું પડે છે. આઈપીએલના 24માં મેચના હીરો અને મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી પોલાર્ડ એક વર્ષથી પોતાના ઘરે નથી ગયા. મેચ બાદ મુંબઈ ઇન્ડિયન્સે એક વીડિયો જારી કર્યો છે જેમાં પોલાર્ડે આ વાતનો ખુલાસો કર્યો છે.



પોલાર્ડે 24મી મેચમાં પોતાની શાનદાર બેટિંગથી મુંબઈ ઇન્ડિયન્સને સિઝનની ચોથી જીત અપાવી હતી. આ ઇનિંગ્સ સિવાય અન્ય એક કારણથી પણ બુધવારનો દિવસ તેના માટે ખાસ રહ્યો હતો. 10 એપ્રિલે પોલાર્ડની પત્ની જેનનો જન્મ દિવસ હતો. તે આ સમયે પોલાર્ડ સાથે નથી પણ પુત્ર કેડન તેને મળવા માટે ખાસ ભારત આવ્યો છે.


વીડિયોમાં પોલાર્ડે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી તે ફક્ત બે દિવસ જ ઘરે જઈ શક્યો છે. આ કારણે તેનો પુત્ર તેને મળવા માટે આટલે દૂર આવ્યો છે. સાથે પોલાર્ડે પોતાની પત્નીને જન્મ દિવસની શુભકામના પણ પાઠવી હતી.